ઇન્ટરનેટની દુનિયામાં સાઇબર હુમલાથી કઈ રીતે બચી શકાય?

મિત્રો જેમ જેમ દુનિયામાં ટેકનોલોજી અને ઈન્ટરનેટની સુવિધા વધી રહી છે તેમ સાઇબર હુમલામાં પણ વધારો થયો છે. પહેલાના સમયમાં કેવું હતું કે માણસો મોબાઈલ જેવી ટેકનોલોજીનો બહુ ઓછો ઉપયોગ કરતા હતા અને સારી સ્પીડવાળું ઈન્ટરનેટ પણ કોઈની પાસે ન હતું એટલે તે વખતે સાઇબર હુમલા બહુ ઓછા પ્રમાણમાં થતા હતા.

આજના સમયમાં સાઇબર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે તો આજે હું તમારા માટે એક અગત્યની માહિતી લઈને આવ્યો છું. જેના ઉપયોગથી આપણે સાઇબર હુમલાથી બચી શકીશું, તો ચાલો જાણી લઈએ ઈન્ટરનેટની દુનિયામાં સાઇબર હુમલાથી કઈ રીતે બચી શકાય.

સાઇબર હુમલાથી કેવી રીતે બચી શકાય?

સાઇબર હુમલો એટલે શું? – Cyber Attack in Gujarati

સાઇબર હુમલો (Cyber Attack) એટલે તમારા કમ્પ્યુટરનો એક્સેસ લેવો, તમારા સિસ્ટમને તમારી પરવાનગી વગર કંટ્રોલ કરીને તેના ડેટાને ચોરી કરવા અથવા તમારા ડેટાને નુકસાન કરવું, તમારા કોઈ ડેટાને ડિલીટ કરી દેવા જેવા વગેરે કાર્યોને તમે સાઇબર હુમલો કહી શકો છો.

સરળ ભાષામાં સમજીએ તો એવા લોકો જેમને કમ્પ્યુટર વિશે ખૂબ જાણકારી છે અને તેમની પાસે ઘણી બધી કમ્પ્યુટર કળા છે જેના દ્વારા તેઓ બીજા કમ્પ્યુટરને પણ પોતાની કળા દ્વારા કંટ્રોલ કરી શકે તો તે કળાનો દૂરઉપયોગ કરીને બીજાના કમ્પ્યુટરમાં ઘૂસીને તેમાં નુકસાન પહોચાડવું તો તેને સાઇબર હુમલો કહી શકાય છે.

તમે સરળ રીતે સાઇબર અટેક પણ કહી શકો છો.


સાઇબર હુમલો થવા પાછળ કયું કારણ જવાબદાર હોય છે?

મિત્રો આ સાઇબર હુમલો ત્યારે થાય છે જ્યારે તમારી સિસ્ટમ એટલે કે મોબાઈલ અને કમ્પ્યુટરની સિક્યુરિટી ઓછી હોય. સાઇબર હુમલો તમારી પર ત્યારે થાય છે જ્યારે તમારી પાસે ઈન્ટરનેટ, મોબાઈલ, કમ્પ્યુટર વિશે પૂરી જાણકારી ન હોય.

સાઇબર હુમલો ત્યારે થાય છે જ્યારે તમે ઈન્ટરનેટ ઉપર તમારા બધા એકાઉન્ટના આઈડી અને પાસવર્ડ સરળ રાખેલ હોય જેમ કે જન્મ દિવસની તારીખ, તમારું નામ, ખાલી આંકડાનો પાસવર્ડ વગેરે.

સાઇબર હુમલો થવાના ઘણા કારણ છે જે નીચે બતાવેલા છે.

  • તમારું આઈડી અને પાસવર્ડ બધી જ વેબસાઇટમાં સરખા રાખેલા હોય છે.
  • તમે પાસવર્ડને પોતાના મિત્રો સાથે પણ શેર કરતાં હોય છે.
  • તમે અવિશ્વાસુ વેબસાઇટ પરથી કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરો છો.
  • તમે એપ્લિકેશનના મોડીફાય કરેલા વર્ઝન વાપરો છો.
  • તમે થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી પૈસાવાળું સોફ્ટવેરને ફ્રીમાં ડાઉનલોડ કરો છો.
  • તમે પોતાના આઈડી પાસવર્ડને ભૂલથી ઓનલાઇન પ્લેટફોર્મ પર સ્ટોર કર્યું હોય છે.
  • વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા પર કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક કરવું.
  • લોટરીના ચક્કરમાં ઓનલાઇન વેબસાઇટ પર રજીસ્ટર કરવું.

આવા ઘણા કારણોને લીધે સાઇબર હુમલો થઈ શકે છે.


સાઇબર હુમલો કોણ કરે છે અને કેવી રીતે કરે છે?

સાઇબર હુમલો સરળ ભાષા સમજાવું તો સાઇબર હુમલો ચોરી કરવા માટે થાય છે. હવે તમને બધાને ખબર છે કે ચોરી કોણ કરે તો આપડે કહીશું ચોર, તો બસ સાઇબર હુમલો પણ ચોર ચોરી કરવા માટે કરે છે.

સાઇબર હુમલો કરવા પાછળ ચોરનું શું કારણ હોય છે તે આપણે નક્કી ના કરી શકીએ તેમ છતાં પણ કદાચ એવું હોય કે કોઈ મજા લેવા માટે કરતા હોય, અમુક એવા હોય કે ચોરી કરીને તેનો ડેટા લીક કરવા માટે બ્લેક મેલ કરે, અમુક એવા હોય છે જે ચોરી કરીને ડેટા વેચીને પૈસા કમાય છે તો આપણા અંદાજ પ્રમાણે આ કારણ હોય શકે.

સાઇબર હુમલો કરવા માટે અમુક સોફ્ટવેર, વાયરસ, ટૂલ, ટ્રિકસ, અમુક ઓપરેટિંગ સિસ્ટમ વગેરેનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે ટૂંકા અર્થમાં જ સમજીશું કે આ હુમલો કેવી રીતે થાય, બાકી આપણે આ હુમલાથી કેવી રીતે બચી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી નીચે જોઈશું.


સાઇબર હુમલો થાય ત્યારે શું કરવું જોઈએ?

સાઇબર હુમલો થાય ત્યારે તમારે ડરવાની જરૂર નથી, તરત જ તમે સાઇબર ક્રાઈમ અધિકારીનો સંપર્ક કરીને તમારી માહિતી તેમને આપીને સાઇબર ક્રિમીનલને પકડવા માટે પગલા લઈ શકો છો.


શુ સાઇબર હુમલાનો ભવિષ્યમાં વધારો થશે કે ઘટાડો?

જેમ જેમ ટેકનોલોજી અને ઈન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે તેમ તેમ ભવિષ્યમાં જો લોકોને આ હુમલાથી બચવા માટેની સમજણ નહિ હોય તો કદાચ એવું બને કે આ હુમલા વધી શકે છે. સાઇબર હુમલા અત્યાર સુધી જોવો તો ઘણા બધા વધી ગયા છે અને તેને રોકવા માટે આપણા દેશની સાઇબર સિક્યુરિટી અને તેના નિયમોને વધારે કડક કરવામાં આવ્યા છે.

આપણને સમજણની જરૂર છે જેનાથી આપણે આ હુમલાનો શિકાર ન બનીએ.


સાઇબર હુમલાના પ્રકાર કયા કયા છે? અને તેનાથી બચવા માટેના ઉપાયો

સ્પામ ઇમેઇલ (Spam Email)

સ્પામ ઈમેલ એટલે એક જ પ્રકારના ઘણા બધા ઈમેલ એક સાથે તમારી પાસે આવવા અને તેમાં એવું કન્ટેન્ટ એટલે સામગ્રી હોવી જે તમારા સિસ્ટમને નુકસાન પહોચાડી શકે છે. એટલે ક્યારેય તમને વગર કામના ઈમેલ આવે અને એ પણ ઘડીએ ઘડીએ તો તેના પર ક્યારેય ક્લિક ન કરવું.

સ્પેમ ઈમેલથી બચવા માટે તમારે બસ જે પણ એવા ઈમેલ દેખાય તેને અનદેખો કરવાનો હોય છે અથવા તમે તેને ડિલીટ કરી શકો છો અને તેને રિપોર્ટ પણ કરી શકો છો. જીમેલ પણ તમારા ઈમેલને સ્કેન કરે છે જેથી તમને કોઈ સ્પેમ ઈમેલ આવે તો તેને Spam સેક્શનમાં તે ઈમેલ મૂકી દે છે.

ફિશિંગ (Phishing)

ફિશિંગ અટેક એટલે તમને ઈમેલ દ્વારા કે કોઈ પણ મેસેજ દ્વારા લિન્ક મોકલવામાં આવે છે અને તે લિન્ક દ્વારા તમને લોગિન કરવાનું કહેવામાં આવે છે અને જ્યારે તમે લોગિન કરો તો તમારો આઈડી અને પાસવર્ડ તે હેકર પાસે જતો રહે છે અને તેઓ તે આઈડી અને પાસવર્ડ દ્વારા તમારા અકાઉંટને હેક કરી શકે છે.

જો તમારે ફિશિંગ અટેકથી બચવું હોય તો કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક કરીને લોગિન કે સાઇનઅપ કરવું નહીં કારણ કે તે તમને ફસાવા માટે હોય છે. તમારા વોટ્સએપ પર કોઈ પણ વસ્તુ મફત હોય એવી લાલચ આપીને લિન્ક પર લોગિન કરવાનું કહે તો તમારે ક્યારેય લોગિન નહીં કરવાનું.

દુનિયામાં કોઈ પણ વસ્તુ મફત હોતી નથી એટલે તમારે કોઈ પણ જેવી તેવી વેબસાઇટ પર નથી જવાનું.

વાયરસનો ફેલાવો (Computer Virus)

જ્યારે તમે અવિશ્વાસુ, અસુરક્ષિત કે થર્ડપાર્ટી વેબસાઇટ પરથી કોઈ પણ ફાઇલ કે સોફ્ટવેર ડાઉનલોડ કરો તો તેમાં વાઇરસ હોવાથી તે તમારા કમ્પ્યુટરને નુકસાન કરે છે અને જેથી કદાચ તે વાઇરસ તમારો ડેટા હેકર સુધી મોકલી પણ શકે છે એટલે ક્યારેય અસુરક્ષિત જગ્યાએથી તમારે ફાઇલ કે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ ન કરવી જોઈએ.

સોફ્ટવેર પાયરસી (Software Piracy)

આ પ્રકારમાં જે પ્રોફેશનલ સોફ્ટવેર હોય છે જેને વાપરવા માટે લાઈસેન્સ લેવું પડે છે તો અમુક હેકર તે સોફ્ટવેરને મોડીફાય કરે છે અને તેના કોડમાં ફેરફાર કરતાં હોય છે અને તેને ફ્રીમાં વેંચીને લોકોના સિસ્ટમમાં નુકસાન કરે છે અને ડેટાને પણ ચોરી કરે છે પછી તે હેકર તમારા જરૂરી ડેટાને વેંચી નાખે છે.

આનાથી બચવા માટે તમારે કોઈ પણ પૈસાવાળું સોફ્ટવેરની ક્રેક ફાઇલ ન ડાઉનલોડ કરવી અને તેને ફ્રીમાં પણ ઉપયોગ ન કરવો જોઈએ.

ફ્રોડ બેન્ક કોલ (Fraud Bank Call)

તમારા મોબાઇલ નંબર પર એવો ફોન આવે અને જેમાં તમને જણાવવામાં આવે છે કે તમારું બેન્ક અકાઉંટ અથવા ખાતું બંધ થવાનું છે એટલે તમારા બેન્કની જાણકારી કે અમુક પાસવર્ડ આપો તો આવા કોલ તમને ફસાવા માટે હોય છે અને તમારા પૈસાની ઉપાડવા માટે હોય છે.

જો તમને આવો કોઈપણ કોલ આવે છે તો તમારે તમારા બેંક એકાઉન્ટને લગતી માહિતી ન આપવી જોઈએ. જો તમારી સાથે કયારેય પણ આવું થાય તો સીધા જે બેંકમાં તમારું એકાઉન્ટ છે તેમાં તમે જાણ કરી શકો છો.

(RBI) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એવું કહે છે કે બેંક તરફથી આવો કોલ કોઈ દિવસ કરવામાં નથી આવતો અને તમારા આઈડી અને પાસવર્ડ તમારે બેંકના કોઈપણ સભ્ય માંગે તો ન આપવો જોઈએ. સતર્ક રહો અને સાવધાન રહો.

સોશ્યલ મીડિયા સાઈટ પર અફવા ફેલાવી (Fake News on Social Media Platforms)

આ પ્રકારમાં લોકોને સોશ્યલ મીડિયા પર જો કોઈ અધૂરી માહિતી મળે તો તરત જ તેના વિશે જાણવાની ટેવ હોય છે. આનો ફાયદો ચોર ઉઠાવે છે અને તમને એવી માહિતી આપે છે કે તમે તરત જ તેમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમારી બધી માહિતી ચોરના સર્વર પર સ્ટોર કરવામાં આવે છે જેનો ઉપયોગ તે ખોટી રીતે કરી શકે છે.

સોશ્યલ નેટવર્ક પર જો તમને કોઈ એવી માહિતી મળે છે કે જે સાચી છે કે ખોટી એ તમે જાણતા નથી ત્યારે તમે તે માહિતી ગૂગલ પર સર્ચ કરીને તપાસી શકો છો, જો આ માહિતી તમને યોગ્ય લાગે તો તમે તેને બીજા લોકો સુધી પહોંચાડી શકો છો અને જો ખોટી લાગે તો તમે તે માહિતીને રિપોર્ટ અથવા બ્લોક પણ કરી શકો છો.

જો તમને માહિતીની સાથે કોઇ અજાણી લિંક શેયર કરવામાં આવે તો તમે તે લિંક પર ક્લિક ન કરતા કારણ કે તેની પાછળ તમે સાઇબર હુમલાનો શિકાર બની શકો છો.

સ્પાઇવેર (Spyware)

આ પ્રકારમાં ઈન્ટરનેટ નેટવર્કનો ઉપયોગ કરીને તમારા મોબાઇલ અને કમ્પ્યુટર સિસ્ટમને ટ્રેક કરીને જોઈ શકાય છે. તમે તમારા મોબાઈલ અને કમ્પ્યુટરમાં શુ કામ કરો છો તે ચોર તેની સિસ્ટમમાં જોઈ શકે છે અને તે તેમાં ખોટી રીતે બદલાવ પણ કરી શકે છે જેમ કે તમારો ડેટા ચોરી કરે, તમે કરેલા કામ પર નજર રાખે, તમારી અગત્યની માહિતી ડીલીટ કરી નાખે વગેરે.

સ્પાઇવેરના હુમલાથી બચવા માટે સૌથી પહેલા તો તમારે વાઇફાઇને પાસવર્ડથી સુરક્ષિત રાખવું પડશે.

ત્યારબાદ તમારા કમ્પ્યુટરમાં અથવા લેપટોપમાં તમારે ફાયરવોલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને રાખવો પડશે જેનાથી કોઈ અજાણ્યું નેટવર્ક અથવા નુકસાન કરે એવું નેટવર્ક જો તમારા નેટવર્ક સાથે કનેક્ટ થશે તો તે ફાયરવોલની મદદથી બ્લોક થઈ જશે. જો તમે આવું કરશો તો તમારી સિસ્ટમને કોઈ એકસેસ નહિ કરી શકે અને સ્પાઇવેરના હુમલાથી બચી શકાય.

તમારા Windows ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ફાયરવોલનો ઓપ્શન આવે છે જે તમારે ચાલુ કરવો જોઈએ.


ચેતવણી : મિત્રો આજ ની આ માહિતી આપવા માટે અમારો માત્ર ને માત્ર હેતુ એટલો જ છે કે તમે બધા સાઇબર હુમલાથી બચી શકો અને તમને સમજણ મળે. આ માહિતીનો ખોટો ઉપયોગ કરવો ગેરકાનુની છે. જો કોઈ આ માહિતીનો ખોટો ઉપયોગ કરે છે તો તેના માટે આ વેબસાઈટ અથવા તેના લેખક જવાબદાર નથી.

અમારી અન્ય પોસ્ટ:-