ડેટા કંપ્રેશન એટલે શું? જાણો..!!

ઘણી વખત તમે ઓનલાઇન વેબસાઇટ ઉપર કોઈ પ્રકારનું રજીસ્ટ્રેશન કરતાં હોવ છો જેમ કે એડમિશન માટે, આધારકાર્ડ માટે, ચુંટણી કાર્ડ વગેરે.. ત્યારે તમે જોયું હશે કે તમે જ્યારે પોતાનો ફોટો અપલોડ કરો છો તો તેમાં સાઇઝ લિમિટ હોય છે.

તમે પોતાનો ફોટો અપલોડ કરશો તો તેની સાઇઝ 100 KB કે 50 KB થી ઓછી હોવી જોઈએ અને આજના મોબાઇલના કેમેરા એક ફોટો જ 4-5 MB કે 15 – 20 MB ના કેપ્ચર કરતાં હોય છે.

આ સ્થિતિમાં તમે ફોટાને કંપ્રેસ કરો છો અને તે ફોટાની સાઇઝમાં ઘટાડો થાય છે, આમાં ડેટા કંપ્રેશન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

આજની પોસ્ટમાં તમને જાણવા મળશે ડેટા કંપ્રેશન (Data Compression) વિશે જેમાં તમને તેના પ્રકાર, તે કેમ જરૂરી છે વગેરે વિશે જાણવા મળશે.

શું છે ડેટા કંપ્રેશન? જાણો

ડેટા કંપ્રેશન એટલે શું? (What is Data Compression?)

ડેટા કંપ્રેશન એક રીત છે જેના દ્વારા તમે કોઈ પણ ફાઇલની સાઇઝમાં ઘટાડો કરી શકો છો. ડેટા કંપ્રેશન એક ટેક્નિક છે જેના દ્વારા તે ફાઇલ પર પ્રોસેસ કરવામાં આવે છે તેથી તેમાં બિટ લેવલ પર બદલાવ કરીને તેની સાઇઝ ઘટાડવામાં આવે છે.

ઉદાહરણ તરીકે તમારી પાસે કોઈ વિડિયો છે જેની સાઇઝ 20 MB છે તો તમે ડેટા કંપ્રેશન દ્વારા તેની સાઇઝ 10 MB કરી શકો છો.

ડેટા કંપ્રેશન કેવી રીતે કામ કરે છે? (How does Data Compression work?)

ડેટા કંપ્રેશનની પ્રોસેસ કોઈ પણ પ્રોગ્રામ અથવા સોફ્ટવેર દ્વારા કોઈ ફાઇલ પર કરવામાં આવે છે. તે પ્રોગ્રામ કે સોફ્ટવેરમાં કોઈ ખાસ ફોર્મુલા અથવા અલ્ગોરિધમ હોય છે જે કોઈ પણ ફાઇલ પર કામ કરે છે.

તે ફોર્મુલા કે અલ્ગોરિધમ કોઈ પણ ફાઇલને કંપ્રેસ કઈ રીતે કરવી, તેમાં બિટને ઓછા કઈ રીતે કરવા અને તેને પાછા તેના અસલી ફોર્મેટમાં કઈ રીતે લાવવા તેવા વગેરે લૉજિક આ ફોર્મુલા કે અલ્ગોરિધમ દ્વારા લાગુ પડે છે.

કોઈ ફાઇલને કંપ્રેસ કરવાથી તે ફાઇલના બિટમાં ઘટાડો થાય છે અને તે ફાઇલની સાઇઝમાં ઘટાડો થાય છે.

કમ્પ્યુટર 0 અને 1 સમજે છે અને બધી ફાઇલ 0 અને 1 ના રૂપમાં હોય છે. ઉદાહરણ તરીકે 11110000 આવી રીતે કોઈ ફાઇલના બિટ હોય તો તેમાં બિટ ઘટાડવા માટે 1^4 અને 0^4 લૉજિક લગાવી શકાય છે, એટલે 1 ની 4 ઘાત અને 0 ની પણ 4 ઘાત, જો આને આપણે ડિકંપ્રેસ કરીશું તો 1 નો આંકડો 4 વખત અને 0 નો આંકડો 4 વખત આવશે.

કોઈ પણ ફાઇલને કંપ્રેસ કરીશું તો તેના બિટમાં ઘડાતો થશે અને જ્યારે આપણે તે ફાઇલને તેના અસલી સ્વરૂપમાં ફરી લાવીશું તો તેને ડિકંપ્રેસ (Decompress) કહેવાય છે.

કંપ્રેશન પ્રોગ્રામ તે ફાઇલને Encode કરે છે જેથી તેની સાઇઝ ઘટે છે અને જે કંપ્રેસ કરવાવાળું પ્રોગ્રામ છે તેને Encoder કહેવાય છે, હવે આપણે તે ફાઇલને તેના અસલી સ્વરૂપમાં લાવીશું તો તેને Decode કર્યું કહેવાય.

આ ઉપર ઘાત વાળું તો એક સમજણ માટે સામાન્ય ઉદાહરણ છે પણ તે કંપ્રેશન પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે, તેના અંદર શું લૉજિક કે ફોર્મુલા છે તે તેના ડેવલોપર દ્વારા સેટ કરવામાં આવ્યું હોય છે.

ડેટા કંપ્રેશનના પ્રકાર (Types of Data Compression)

કોઈ પણ ફાઇલ 2 પ્રકારે કંપ્રેસ થઈ શકે છે, Lossy અને Lossless

Lossless: આ પ્રોસેસમાં જ્યારે આપણે કોઈ ફાઇલને કંપ્રેસ કરીએ છીએ અને પછી તેને ડિકંપ્રેસ કરી છીએ તો આપણને તે ફાઇલમાં કોઈ પણ નુકસાન નથી જોવા મળતું, તેમાં બિટ પણ જેટલા હતા તેટલા જ જોવા મળે છે, તેમાં ફાઇલ પહેલા જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિ આપણને તે ફાઇલને ડિકંપ્રેસ કરતાં જોવા મળે છે.

Lossy: આ પ્રોસેસમાં ફાઇલને કંપ્રેસ કરીએ તો તેમાં વગર કામના ડેટા, બિનજરૂરી બિટને કાઢવામાં આવે છે જેથી ફાઇલને ડિકંપ્રેસ કરતાં આપણને ખામી જોવા મળે છે. આમાં ઓડિઓ, વિડિયો, ફોટા જેવી વગેરે ફાઈલોનો સમાવેશ થાય છે.

હવે આમાં ગ્રાફિક્સ ઇમેજ કંપ્રેશનમાં આપણે જોઈશું તો તે Lossy અને Lossless એમ બંનેમાં હોય શકે છે. ઇમેજમાં JPEG ફોર્મેટ Lossy પ્રોસેસ સપોર્ટ કરે છે અને GIF અને PNG ફોર્મેટ Lossless કંપ્રેશનનો ઉપયોગ કરે છે.

ડેટા કંપ્રેશન કેમ જરૂરી છે? (Why Data Compression is Important?)

  1. ડેટા કંપ્રેશન દ્વારા કોઈ પણ ફાઇલની સાઇઝ ઘટી જાય છે અને આ કારણે સ્ટોરેજનો ઓછો ઉપયોગ કરવો પડે છે, આનાથી વધારે સ્ટોરેજનો ખર્ચો બચી જાય છે.
  2. ઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ કંપ્રેસ કરેલી હોય તો તેને ઝડપથી ડાઉનલોડ કરી શકાય છે.
  3. કોઈ વેબસાઇટ પર ફોટા કે વિડિયો કંપ્રેસ કરેલા હોય તો તેમાં ઓછી બેન્ડવિથનો ઉપયોગ થાય છે.
  4. કોઈ ફાઇલને એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ટ્રાન્સફર કરવાની હોય તો તે સરળતાથી ઝડપી ટ્રાન્સફર થઈ જાય છે.
  5. જો આપણે આપેલા સ્ટોરેજમાં વધારે ડેટાનું બેકઅપ લેવું હોય તો ડેટાને કંપ્રેસ કરવાથી વધારે ડેટા બેકઅપ લઈ શકાય છે.
  6. ડેટાને કંપ્રેસ કરવાથી તે ડેટા પર ઝડપથી પ્રોસેસિંગ કરી શકાય છે.

આ કારણોને લીધે ડેટા કંપ્રેશન ઘણું જરૂરી છે, તમે કોઈ પણ મોટી વેબસાઇટ જોવો છો જેમ કે Youtube, Facebook અને Instagram વગેરે તો તેમાં રહેલા કન્ટેન્ટને કઈકને કઈક થોડા હદે કંપ્રેસ કરવામાં આવે છે જેથી યુઝરના ડિવાઇસમાં તે ફોટા કે વિડિયો જલ્દી લોડ થાય છે.

આશા છે મિત્રો તમને ડેટા કંપ્રેશન વિશે આજે કઈક નવું જાણવા મળ્યું હશે, તમારા મિત્રોને પણ આ ડેટા કંપ્રેશન વિશે જણાવો.