પહેલાના સમયમાં માર્કેટિંગ માત્ર મોટા ધંધા વાળા લોકો જ કરતાં હતા પણ હવે તો દરેક વ્યક્તિ માર્કેટિંગ કરી શકે છે. ડિજિટલ માર્કેટિંગને કારણે હવે દરેક લોકો જેમની પાસે મોબાઇલ અને ઇન્ટરનેટ છે તેઓ ઓનલાઇન મફત અથવા પૈસા ખર્ચ કરીને માર્કેટિંગ કરી શકે છે.
ડિજિટલ માર્કેટિંગ વિશે હવે દરેક લોકોએ જાણવું જરૂરી છે, જેમાં મોટા બિઝનેસ મેન અને એવા વ્યક્તિ જેમનો ધંધો હજુ નાના સ્તર પર છે.
જેમને ડિજિટલ માર્કેટિંગ (Digital Marketing) ફિલ્ડમાં કામ કરવું છે તો તેમને પણ આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી થશે.
આજે બધાની પાસે ઇન્ટરનેટ આવવાથી નવી-નવી તક પણ આવે છે તો ચાલો જાણીએ ડિજિટલ માર્કેટિંગ વિશે માહિતી.
ડિજિટલ માર્કેટિંગ એટલે શું? (What is Digital Marketing?)
ડિજિટલ માર્કેટિંગનો 2 શબ્દોમાં અર્થ છે ડિજિટલ અને માર્કેટિંગ. ડિજિટલ એટલે સરળ ભાષામાં કહો તો ઈન્ટરનેટ અને માર્કેટિંગ એટલે જે તમને ઈન્ટરનેટ પર પ્રોડક્ટની જાહેરાત (Ads) દેખાય છે તે ડિજિટલ માર્કેટિંગનો મતલબ કંપની તેની પ્રોડક્ટનું માર્કેટિંગ ઈન્ટરનેટ પર ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરે છે.
ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ લોકો પોતાના બિઝનેસને ઓનલાઇન પ્રચાર કરવા માટે કરે છે.
ડિજિટલ માર્કેટિંગનો સરળ અર્થ તમને જેટલા પણ ઇન્ટરનેટ ઉપર પ્લેટફોર્મ દેખાય છે તેના દ્વારા માર્કેટિંગ કરવી અથવા તેના દ્વારા બધાને ઓનલાઇન જાહેરાત દેખાડીને પોતાના પ્રોડક્ટનું વેચાણ કરવું.
તેનું સૌથી સરળ ઉદાહરણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ સર્ચ એંજિન, ટ્વિટર જેવા વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલતી જાહેરાત છે.
હવે લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે ફેસબુક, ગૂગલ સર્ચ એંજિન અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર જાહેરાત કરે છે અને તેઓ ઓનલાઇન જ પ્રોડક્ટનું વેચાણ કરે છે અને ઘણા લોકો ઓનલાઇન માર્કેટિંગ કરીને ઓફલાઇનમાં વેચાણ કરે છે તો આ ડિજિટલ માર્કેટિંગ જ કહેવાય છે.
ડિજિટલ માર્કેટિંગ કરવું તે જરૂરી કેમ છે?
ડિજિટલ માર્કેટિંગનો આધાર ડિજિટલ મીડિયા પર રહેલો છે. આ ડિજિટલ મીડિયા અત્યારના સમયમાં ઘણું બધું ખુલ્લુ થઈ ગયું છે. ડિજિટલ મીડિયા પાસે ઘણી બધી માહિતી રહેલી છે. આ મીડિયા મારફતે લોકો ગમે ત્યારે ગમે તે જગ્યાએથી બધી માહિતી મેળવી શકે છે.
ઓનલાઇન લોકો વધારે એક્ટિવ હોય છે અને તેને કારણે ડિજિટલ માર્કેટિંગ દ્વારા ઓનલાઇનમાં તમારા પ્રોડક્ટની પહોચ વધારે ગ્રાહકો સુધી રહેશે અને ઓનલાઇન જાહેરાત દેખાડવું ખૂબ સહેલું અને સસ્તું હોય છે.
તેના માટે ગૂગલ અને ફેસબુક જેવી કંપની લોકોને ડિજિટલ માર્કેટિંગ કરવા માટે ખૂબ સારી સુવિધા આપે છે જેનાથી તમે Google Ads દ્વારા ગૂગલના પ્લેટફોર્મ પર જાહેરાત ચલાવી શકો છો અને Facebook Ads દ્વારા ફેસબુકના પ્લેટફોર્મ પર જાહેરાત ચલાવી શકો છો.
તમે થોડું વિચારશો તો તમને ખબર પડશે કે ઓનલાઇન લોકોને એક જગ્યા પર ભેગા કરવા સહેલા છે કારણ કે લોકોને ખાલી મોબાઇલમાં જ ઘરે બેઠા ઇન્ટરનેટ વાપરવાનું હોય છે, ઓનલાઇન વધારે લોકો હોવાથી કંપનીઓ ખૂબ સહેલાઈથી પોતાના પ્રોડક્ટને ઓનલાઇન વેંચી શકે છે.
ડિજિટલ માર્કેટિંગના પ્રકાર (Types of Digital Marketing)
- સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)
- કન્ટેન્ટ માર્કેટિંગ
- સોશિયલ મીડિયા માર્કેટિંગ (SMM)
- પે પર ક્લિક માર્કેટિંગ (PPC)
- અફિલિએટ માર્કેટિંગ
- નેટિવ જાહેરાતો
- ઇન્ફલુએંસર માર્કેટિંગ
- માર્કેટિંગ ઓટોમેશન
- ઈમેલ માર્કેટિંગ
- મોબાઇલ માર્કેટિંગ
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એક પ્રોસેસ છે જેના દ્વારા વેબસાઇટની ક્વોલિટી સુધારીને તેને સર્ચ એંજિનમાં ટોપમાં રેન્ક કરવામાં આવે છે જેથી તે વેબસાઇટને લગતી કોઈ પણ વસ્તુ લોકો ગૂગલ કે અન્ય સર્ચ એંજિનમાં સર્ચ કરે તો તેમને તે વેબસાઇટ સૌથી ઉપર દેખાઈ શકે.
વેબસાઇટમાં સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનની પ્રોસેસ કરીને તે વેબસાઇટ પર ટ્રાફિક વધારવામાં આવે છે.
કન્ટેન્ટ માર્કેટિંગ (Content Marketing)
જે પ્રોડક્ટનું વેચાણ કરવું છે તો તે પ્રોડક્ટને લગતું ફ્રી ઉપયોગી કન્ટેન્ટ ઓનલાઇન પબ્લિશ કરવામાં આવે છે. આ ફ્રી કન્ટેન્ટ લોકોની સામાન્ય સમસ્યાઓ ઉપર હોય છે જેના દ્વારા લોકોની સમસ્યાઓ દૂર થાય છે.
આ ફ્રી કન્ટેન્ટ વાંચતા-વાંચતાં પોતાના મૂળ પ્રોડક્ટ વિશે પણ વાત-ચિત તેમાં કરવામાં આવે છે જેથી લોકો તેના વિશે જાણીને તે પ્રોડક્ટ ખરીદે છે.
ફ્રી કન્ટેન્ટમાં ફ્રી PDF, યુટ્યુબ વિડિયો અથવા કોર્સ, આર્ટીકલ, સોશિયલ મીડિયા પોસ્ટ વગેરે લોકોને આપવામાં આવે છે.
આ પ્રોસેસને કન્ટેન્ટ માર્કેટિંગ કહેવાય છે કારણ કે જેમાં લોકોને ફ્રી કન્ટેન્ટ આપીને તેની સાથે જે-તે પ્રોડક્ટની માર્કેટિંગ કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા માર્કેટિંગ (Social Media Marketing)
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા પોતાના પ્રોડક્ટને પ્રમોટ કરવાની રીતને સોશિયલ મીડિયા માર્કેટિંગ કહેવાય છે.
સોશિયલ મીડિયા માર્કેટિંગ એક રીત છે જેના દ્વારા તમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાનું અથવા પોતાની બ્રાન્ડનું પેજ બનાવો છો અને લોકોને ફ્રીમાં કન્ટેન્ટ આપીને વધારે લોકો સુધી પહોચો છો અને ત્યારબાદ લોકો તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા તમારા પ્રોડક્ટ સુધી પહોચે છે.
પે પર ક્લિક (Pay Per Click)
આ રીત દ્વારા તમે જ્યારે સર્ચ એંજિન અથવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર જાહેરાતો પોતાના પ્રોડક્ટ કે સર્વિસની ચલાવો છો ત્યારે તમારે દર એક ક્લિકના પૈસા આપવા પડે છે.
ઉદાહરણ તરીકે જો તમારા ગ્રાહકો તમારી જાહેરાત જોઈને તેના ઉપર ક્લિક કરે તો જ તમારે તે એક ક્લિકના પૈસા આપવાના હોય છે. જો 10 અલગ-અલગ લોકોએ ક્લિક કર્યું તો તે 10 ક્લિકના તમારે પૈસા ખર્ચ કરવા પડે છે.
અફિલિએટ માર્કેટિંગ (Affiliate Marketing)
અફિલિએટ માર્કેટિંગમાં કોઈ એક વ્યક્તિ બીજાના પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રમોટ કરીને દર એક વેચાણ પર કમિશન મેળવે છે અને તે વ્યક્તિને કમિશન રૂપે પૈસા મળે છે.
આનાથી બધાને ફાયદો થાય છે. પ્રોડક્ટ બનાવનાર કે સર્વિસ બનાવનારનું વેચાણ વધે છે અને પ્રોડક્ટ પ્રમોટ કરવાવાળા વ્યક્તિને દર એક વેચાણ પર પૈસા મળે છે.
જે વ્યક્તિ પ્રોડક્ટને વેચે છે તેને અફિલિએટ માર્કેટર કહેવાય છે.
નેટિવ જાહેરાત (Native Advertising)
નેટિવ જાહેરાત તમારા કન્ટેન્ટ પ્રમાણે હોય છે. જેવુ તમારું કન્ટેન્ટ છે એવી જ તમને તેની સાથે જાહેરાત પણ જોવા મળે છે. જેનાથી યુઝરને જાહેરાત પણ સામાન્ય કન્ટેન્ટની જેમ જ લાગે છે અને તે તેના પર ક્લિક કરે છે.
ચાલો આપણે Youtubeનું જ ઉદાહરણ લઈએ તો તો તમે જ્યારે Youtube માં કોઈ પણ વિડિયો સર્ચ કરો છો તો તમને તેમાં ટોચમાં જાહેરાત ધરાવતા વિડિયો પણ જોવા મળે છે અને હોમપેજમાં સ્ક્રોલ કરશો તો તમને હોમપેજમાં પણ ઘણા વિડિયો દેખાશે જે જાહેરાતવાળા હોય છે.
જો તમે આ વિડિયો પર ક્લિક કરશો તો એ પણ સામાન્ય વિડિયોની જેમ જ હશે પણ તે વિડિયો બનાવનારએ ગૂગલ એડ્સ દ્વારા તે વિડિયોને પ્રમોટ કર્યો હોય છે.
ઇન્ફલુએંસર માર્કેટિંગ (Influencer Marketing)
ઇન્ફલુએંસર માર્કેટિંગમાં એવા લોકો દ્વારા આપણે પોતાનું પ્રોડક્ટ પ્રમોટ કરાવવું પડે છે જેમના ઘણા વધારે ફોલોવર્સ છે અથવા તેઓ ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ પણ છે. તેમનો પ્રભાવ ઇન્ટરનેટની દુનિયામાં હોવો જોઈએ.
આપણે આવા વધારે ફોલોવર્સ ધરાવતા લોકોને પૈસા આપીને પોતાનું પ્રોડક્ટ પ્રમોટ કરાવી શકીએ છીએ.
માર્કેટિંગ ઓટોમેશન (Marketing Automation)
માર્કેટિંગ ઓટોમેશનમાં એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી માર્કેટિંગ પ્રોસેસને ઓટોમેટ કરી શકાય છે. ઘણા એવા કામો હોય છે જેને વારંવાર માણસોએ કરવા પડે છે પણ સોફ્ટવેર દ્વારા તે કામને ઓટોમેટ કરી શકાય છે.
આ રીતે એકને એક કામ કરવા માટે કોઈ માણસની જરૂર નથી પડતી અને કામની ઝડપ વધે છે.
ઈમેલ માર્કેટિંગ (Email Marketing)
ઈમેલ માર્કેટિંગમાં ઈમેલ દ્વારા ગ્રાહકો સુધી પહોચવામાં આવે છે અને પોતાના પ્રોડક્ટનું વેચાણ કરવાનું હોય છે. ઈમેલ દ્વારા ગ્રાહકોને પોતાની સાથે જોડી રાખવા પડે છે જેથી દર નવા પ્રોડક્ટનું વેચાણ વધારી શકાય છે.
ઈમેલ દ્વારા ફ્રી કન્ટેન્ટ પણ આપવામાં આવે છે જેથી ગ્રાહકો તે ફ્રી કન્ટેન્ટ મેળવવા માટે ઈમેલ સબ્સ્ક્રિપ્શન ચાલુ રાખે છે.
મોબાઇલ માર્કેટિંગ (Mobile Marketing)
મોબાઇલ માર્કેટિંગ દ્વારા ગ્રાહકો સુધી SMS દ્વારા, MMS દ્વારા અથવા સોશિયલ મીડિયા નોટિફિકેશન, એપ એલર્ટ વગેરે રીતો દ્વારા પોતાનું પ્રોડક્ટ પહોચાડવામાં આવે છે જેથી ગ્રાહકો તે પ્રોડક્ટને ખરીદી શકે છે.
ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ બિઝનેસમાં શા માટે કરવામાં આવે છે?
આ ઓફલાઇન દુનિયામાં ઘણી બધી કંપની સેલ્સ મેન રાખીને માર્કેટિંગ કરતી હતી પણ લોકોએ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બિઝનેસ આગળ વધારવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને લોકોને તેનો ફાયદો પણ થયો છે.
બિઝનેસમાં ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરવા માટે સેલ્સ મેનની જરૂર હોતી નથી. તમારી કંપનીની પ્રોડક્ટ છેલ્લે કસ્ટમર સુધી પહોંચે એ મુખ્ય કામ હોય છે ડિજિટલ માર્કેટિંગનું.
ડિજિટલ માર્કેટિંગમાં સૌથી પહેલા તો ગ્રાહકની જરૂરિયાતને સમજવી પડે છે ત્યારબાદ તેને અનુરૂપ પ્રોડક્ટ બનાવીને તેના ફોટા અને વિડિઓ બનાવીને જો ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે તો તેને રસ હોય તો તે ખરીદે છે.
આ આખી પ્રોસેસ ડિજિટલ માર્કેટિંગ દ્વારા કરવામાં આવે છે. આ આખું માર્કેટિંગ ઓનલાઇન થાય છે એટલે એના પ્રોડક્ટનો કન્ટેન્ટ તૈયાર કરવો પડે છે.
ડિજિટલ માર્કેટિંગ બિઝનેસમાં મુખ્ય 2 પ્રકાર હોય છે.
- B2B: B2Bનું પૂરું નામ બિઝનેસ ટુ બિઝનેસ છે. તેમાં તમે ધારો કે મેનુફેક્ચર છો અને તમારી પ્રોડક્ટને તમે ડાયરેક્ટ ડીલર અથવા ડિસ્ટ્રીબ્યુટર સુધી સેલ કરવા માંગો છો તો આખી પ્રોસેસને B2B (Business To Business ) કહેવામાં આવે છે.
જો તમારી કંપની B2B છે તો ડિજિટલ માર્કેટિંગમાં તેનું મુખ્ય કામ લીડ જનરેટ કરવાનું હોય છે. આ લીડને તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વેબસાઈટ અથવા ડિજિટલ ચેનલના સપોર્ટથી તમે જનરેટ કરી શકો છો. આ માર્કેટિંગમાં તમારે સેલ્સ મેન માટે લીડ જનરેટ કરવાની હોય છે ત્યારબાદ તેના રેગ્યુલર ફોલોઅપ લઈને તમે તમારી પ્રોડક્ટને સરળતા થી વેચી શકો છો.
- B2C: B2Cનું પૂરું નામ બિઝનેસ ટુ કન્ઝયુમર (Business To Consumer) છે. આ પ્રકારની કંપની ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરીને પોતાના પ્રોડક્ટ ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી શકે છે. આ પ્રકારની કંપનીને સેલ્સ મેનની જરૂર પડતી નથી.
આ માર્કેટિંગમાં તમારે એક વેબસાઈટ બનાવવાની હોય છે જેમાં ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરીને વેબસાઈટમાં યુઝરને આકર્ષિત કરીને બોલાવવામાં આવે છે, આ વેબસાઈટની અંદર તમારે તમારી પ્રોડક્ટને અનુરૂપ કન્ટેન્ટ મુકવાનો હોય છે જેમાંથી ગ્રાહક વાંચીને તમને ઓર્ડર આપી શકે છે.
આ માર્કેટિંગમાં તમે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંકડીન, યુટ્યૂબ, બ્લોગ, ફેસબુક, જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમે તમારી વેબસાઈટ પર લોકોને મુલાકાત કરવા આકર્ષિત કરીને પ્રોડક્ટને સીધા ગ્રાહક સુધી પહોંચાડી શકો છો.
ડિજિટલ માર્કેટિંગના ફાયદા
◆ વેબસાઈટ ટ્રાફિક:- વેબસાઈટ પર ટ્રાફિક તમે અનુરૂપ સ્થળ પરથી લાવી શકો છો. આ એક મોટો ફાયદો છે. જો તમને અગાવથી ખબર હોય કે આ જગ્યાએ મારી પ્રોડક્ટ વધારે સેલ થશે તો તમે જાહેરાત કરીને તમે વેબસાઈટ પર ટ્રાફિક લાવી શકો છો.
આ કામ માટે તમે કોઈ ડિજિટલ માર્કેટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો. આ સોફ્ટવેરથી તમે એ પણ જાણી શકો છો કે કયા સોર્સમાંથી કેટલો ટ્રાફિક આવ્યો જેનાથી તમને કામ કરવામાં સરળતા રહે, તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ Google Analytics છે.
◆ લીડ જનરેશન: જો તમે તમારી પ્રોડક્ટને સેલ કરવા માટે તેનું એક કેટલોગ બનાવો છો અને તે કુરિયર દ્વારા તમે ગ્રાહક સુધી પહોચાડો છો તો તમે એ નથી જાણી શકતા કે શુ તે ગ્રાહકને મળી ગયું અને જો મળી ગયું હોય તો તેને ખોલીને જોયું છે કે નહી.
આ પ્રોસેસમાં તમારા પૈસાનો ખર્ચ વધી જાય છે પણ જો તમે ડિજિટલ ટેકનોલોજી દ્વારા તમે તમારી વેબસાઈટની અંદર કેટલોગ મૂકી દો તો તમને ખબર પડી જશે કે આ કેટલા લોકો એ જોયું છે. ડિજિટલ માર્કેટિંગમાં આ રીતે તમે બધી માહિતી સરળ રીતે જાણી શકો છો.
ડિજિટલ માર્કેટિંગ માટે કેવા પ્રકારનો કન્ટેન્ટ બનાવો જરૂરી છે.
◆ તમારે કેવા પ્રકારનો કન્ટેન્ટ બનાવો છે તે તમારી પ્રોડક્ટ અને પ્રોડક્ટના અનુરૂપ તેના ગ્રાહક કેવા છે તેના પર આધાર રાખે છે. તમારો કન્ટેન્ટ હંમેશા એવો હોવો જોઈએ કે ગ્રાહક જ્યારે વાંચે તો તેમની જરૂરિયાત બધી તમારી પ્રોડક્ટમાં આવી જાય.
◆ જો તમારી પ્રોડક્ટ માર્કેટમાં નવી હોય તો ગ્રાહકને તેના વિશે ખબર ના હોય તો સૌથી પહેલા તો તમારે ગ્રાહક સામે તે પ્રોડક્ટની સમજણ ઉભી કરવી પડે. તેના માટે ઘણા બધા રસ્તા છે તેનો ઉપયોગ કરીને તમે સમજણ ઉભી કરી શકો છો.
- બ્લોગ પોસ્ટ: જેમ આ આપણે techzword (ટેકઝવર્ડ) બ્લોગ છે તેમ તમે પણ તમારી કંપનીનો એક બ્લોગ બનાવીને પ્રોડક્ટ વિશે માહિતી પબ્લિશ કરીને તમે માર્કેટિંગ કરી શકો છો.
- ઇન્ફોગ્રાફિક્સ: તમે તમારી પ્રોડક્ટને એક ઇમેજના દ્વારા અલગ અલગ માહિતી આપીને સમજાવી શકો છો.
- શોર્ટ વિડિઓ: તમે તમારી પ્રોડક્ટના 1 અથવા 2 મિનિટના શોર્ટ વિડિઓ બનાવીને યુટ્યૂબ મારફત તેનું માર્કેટિંગ કરીને સમજણ આપી શકો છો.
- લાંબા વિડિયો: તમે 5-10 મિનિટના વિડિયો બનાવીને તેમાં પોતાના પ્રોડક્ટ વિશે સમજણ આપીને યૂટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પોતાની વેબસાઇટ પર વિડિયો મૂકી શકો છો જેથી ગ્રાહક તે વિડિયોને કોઈ પણ જગ્યા પર જોવે તો તેને ખબર પડે કે તમારું પ્રોડક્ટ શેના વિશે છે.
◆ ટેસ્ટીમોનિઅલ્સ: ટેસ્ટીમોનિઅલ્સ એટલે પ્રશંસા પત્રો થાય છે. જો કોઈ ગ્રાહક તમારી પ્રોડક્ટને ખરીદે છે પછી તેનો ઉપયોગ કરે છે અને જો તેમને તમારી પ્રોડક્ટ અનુકૂળ લાગે તો તેની તે પ્રસંશા કરે છે અને તેનો પત્ર તમને આપે છે. આ એક મહત્વનો ફાયદો છે ડિજિટલ માર્કેટિંગમાં કારણ કે ગ્રાહકની પ્રસંશા જોઈને બીજા ઘણા ગ્રાહકો તમારી પ્રોડક્ટ ખરીદવા માટે ઝડપથી તૈયાર થઈ જાય છે.
ટેસ્ટીમોનીઅલ્સને તમે પોતાની કંપનીની વેબસાઇટ અને તેના સોશિયલ મીડિયા અકાઉંટ પર શેર કરી શકો છો.
ડિજિટલ માર્કેટિંગ માટે જરૂરી વસ્તુઓ
- તમારી વેબસાઇટ
- તમારી કંપનીનો બ્લોગ
- ઈ બુક
- ઇન્ફોગ્રાફિક્સ
- ઇન્ટરેક્ટઈવ ટૂલ
- સોશ્યલ મીડિયા ચેનલ
- રિવ્યુઝ
- ઓનલાઇન કેટલોગ
- બ્રાન્ડિંગ લોગો અને ફોન્ટ વગેરે….
ડિજિટલ માર્કેટિંગ કરવા માટે કોડિંગ જરૂરી છે?
ડિજિટલ માર્કેટિંગ કરવા માટે કોડિંગની જરૂર રહેતી નથી કારણ કે કોડિંગ કરવું તે એક ડેવલોપરનું કામ છે. તમારે ખાલી વેબસાઇટ અને સોફ્ટવેરને વાપરવાના જ હોય છે.
ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે કેટલો સમય લાગી શકે?
આ માર્કેટિંગ શીખવા માટે 3 થી 6 મહિના જેટલો સમય લાગે છે અને આ નાનું પ્લેટફોર્મ નથી એટલે સમય પ્રમાણે તમારે અપડેટ રહેવું પણ ખાસ જરૂરી છે તેની સાથે તમે જે શીખો એને પ્રેક્ટિકલ એપ્લાઈ પણ કરવું પડશે કારણ કે ખાલી તેની માહિતી જાણીને તમે ડિજિટલ માર્કેટિંગ માત્ર જાણી શકશો પણ તેને પ્રેક્ટિકલ કરીને તેનો અનુભવ પ્રાપ્ત કરશો.
ડિજિટલ માર્કેટિંગથી કેટલા પૈસા કમાઈ શકીએ?
ડિજિટલ માર્કેટિંગ શીખ્યા બાદ તમે એકદમ પૈસા નહીં કમાઈ શકો, પણ હા પૈસા તમે ઘણા સારા કમાઈ શકો છો, એ તમારા અનુભવ અને તમે તમારી સ્કિલને કેટલી મજબૂત કરી છે એ પ્રમાણે પૈસા કમાઈ શકો છો.
તમે ઇન્ટરનેટ પર થોડું રિસર્ચ કરશો એટલે તમને તેમાથી પૈસા કમાવવાનો પ્રોસેસ ખબર પડશે, જો તમે કોઈ નોકરી કરતાં હોય અને તમે નોકરી છોડીને પૂરા સમય માટે ડિજિટલ માર્કેટિંગ કરવાનું વિચારો છો તો એવું ક્યારેય ન કરતાં, તમે જે પણ કામ કરો છો એના પાર્ટ ટાઈમમાં ડિજિટલ માર્કેટિંગ શીખો, તેનો અનુભવ લો અને જો તમને ડિજિટલ માર્કેટિંગમાથી પરિણામ મળતા થઈ જાય તો તમે પોતાની બુદ્ધિથી કોઈ પણ એક્શન લો.
ડિજિટલ માર્કેટિંગ એ કોઈ ટૂંકા ગાળાની રમત નથી, આ લાંબા સમય સુધી ચાલે છે અને જેમાં તમે દરરોજ કઈક ને કઈક શિખતા જ રહો છો.
તો મિત્રો બિઝનેસ માટે જરૂરી છે ડિજિટલ માર્કેટિંગ. આ માર્કેટિંગથી વધારે પૈસા અને વધારે સમયનો ખર્ચો થતો નથી. તો આજની આ જાણકારી જો તમને રસપ્રદ લાગી હોય તો બીજા લોકો સુધી જરૂર શેયર કરજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
Very well explained in reginal language. Great!!!
Thank you Deepak Bhai!