આજનો સમય ઇન્ટરનેટનો છે અને આ ઇન્ટરનેટના સમયમાં બધા જ લોકો ઓનલાઇન પેમેન્ટ વધારે કરે છે કારણ કે આ સરળ અને સમય બચાવે તેવું સિસ્ટમ છે.
તમે ઓનલાઇન પૈસાની લેવડ-દેવડ તો કરતાં જ હશો અને એ લીધેલા પૈસાને તમે હાથમાં પણ પકડીને વાપરી શકો છો પણ શું તમે એવા પૈસા જોયા છે જેને તમે પકડી જ ન શકો, એવા પૈસા જે ખાલી તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં જ સ્ટોર હોય છે.
આજે આપણે એવું જ એક ચલણ જેને બિટકોઈન કહેવાય છે એના વિશે વાત કરવાના છીએ. આ બિટકોઈનને તમે કોઈ દિવસ પકડી ન શકો કારણ કે આ ખાલી તમારા મોબાઇલ અને કમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક્સ સ્વરૂપમાં સ્ટોર કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જાણીએ કે આ બિટકોઈન એટલે શું છે? તે કેવી રીતે કામ કરે છે અને અન્ય ઘણી બિટકોઈન વિશે જાણકારી જાણીશું.
પૂરી દુનિયામાં બધા જ દેશનું એક ચલણ હોય છે જેમ કે ભારતનું ચલણ રૂપિયો છે, અમેરિકાનું ચલણ ડોલર તેવી જ રીતે બિટકોઈન પણ એક ચલણ છે પણ રૂપિયાને આપડે ભૌતિક સ્વરૂપમાં વાપરી શકીએ છે પણ બિટકોઈનને આપણે માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ વાપરી શકીએ છે.
બિટકોઈન એક ક્રિપ્ટોકરન્સી છે જેને કોઈ પણ ઓથોરિટી નિયંત્રણ કરતી નથી, ચલણને ઇંગ્લિશમાં કરન્સી કહેવાય છે એટલે જેમ આપણાં ભારત દેશની કરન્સીને RBI (Reserve Bank of India) કંટ્રોલ કરે છે તેવી રીતે બિટકોઈનને કોઈ કંટ્રોલ કરતું નથી.
બિટકોઈન તેના યુઝર દ્વારા જ ચાલતી કરન્સી છે. બિટકોઈનને તમે ડિજિટલ કરન્સી અથવા આભાસી મુદ્રા પણ કહી શકો છો, આભાસી મુદ્રા એટલા માટે કહેવાય છે કે તમે એને ભૌતિક સ્વરૂપમાં જોઈ નથી શકતા, બસ તમે એને મોબાઇલ અને કમ્પ્યુટરમાં સ્ટોર કરી શકશો અને આકડામાં જોઈ શકશો.
ઓનલાઇન તમે બિટકોઈનના ઘણા સિક્કા વાળા ફોટા જોયા હશે પણ એ ખાલી બિટકોઈનના ફોટા જ હોય છે.
બિટકોઈનને એક યુઝરથી બીજા યુઝર Peer to Peer નેટવર્ક પર કોઈ પણ વચેટિયા વગર જ મોકલી શકાય છે એટલે આપણે બિટકોઈનને આપણાં મિત્રને મોકલીએ તો તે કોઈ પણ વચેટિયા વગર ત્યાં પહોચી જાય છે.
ઉદાહરણ તરીકે આપણે પોતાના પૈસાને બીજાના ખાતામાં મોકલવા હોય તો બેન્ક દ્વારા શક્ય થાય છે અને બેન્ક જ તમારા બધા જ રિકોર્ડને સ્ટોર રાખે છે જેથી તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તો તેની જાણ બેન્કને થાય છે પણ બિટકોઈનમાં એવું કશું જ થતું નથી, તમે કોઈ પણ સેંટ્રલ બેન્ક વગર, કોઈ એડમીન વગર પોતાના પૈસાને મોકલી શકો છો અને એનું જે ખાતું હોય છે તે બિલકુલ બ્લોકમાં સુરક્ષિત રહે છે.
તો ચાલો હવે આપણે બિટકોઈનના ઇતિહાસ વિશે થોડું જાણીએ કે બિટકોઈનની શરૂઆત કેવી રીતે થઈ.
બિટકોઈનનો ઇતિહાસ શું છે?
બિટકોઈનની મુખ્ય વેબસાઇટ bitcoin.org છે અને તેનું ડોમેન નેમ 18 ઓગસ્ટ 2008માં રજીસ્ટર થયું હતુ. બિટકોઈનની શરૂઆત 2009 થી થઈ હતી. તે વખતે એક સફેદ પેપર સતોષી નાકામોટો નામના વ્યક્તિ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું હતું.
કોઈ પણ ઓથોરીટી, એડમીન કે વ્યક્તિ આ ચલણને કંટ્રોલ ન કરી શકે અને લેવડ-દેવડમાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એના માટે આ બિટકોઈનનો જન્મ થયો હતો. તમે આ સફેદ પેપરને ગૂગલમાં “bitcoin whitepaper” સર્ચ કરીને જોઈ શકો છો.
બિટકોઇન કેવી રીતે કામ કરે છે?
કોઈ પણ ઓથોરીટી કે કોઈ વ્યક્તિ આને નિયંત્રણ નથી કરતું તો આ બિટકોઈન કામ કેવી રીતે કરે છે એ જાણવું જરૂરી છે.
જેવી રીતે આપણે કોઈ વસ્તુને ખરીદવા રૂપિયા કે ડોલર જેવા ચલણની જરૂર પડે છે અને તેના દ્વારા આપણે ઇચ્છિત વસ્તુ ખરીદી શકીએ છે, જેમ કે તમારે એક વડાપાવ ખરીદવો છે તો તેને તમે રૂપિયા દ્વારા ખરીદી શકો છો તેવી જ રીતે બિટકોઈન દ્વારા આપણે વસ્તુઓ ખરીદી શકીએ છે.
જો તમારા મિત્રને અર્જન્ટ પૈસાની જરૂર છે તો તમે તેના ખાતામાં પૈસા મોકલી શકો છો તેવી જ રીતે તમે બિટકોઈન પણ તેના વોલેટમાં મોકલી શકો છો.
બિટકોઈનની લેવડ-દેવડ વોલેટ દ્વારા થાય છે, તે કોઈ સોફ્ટવેર કે એપ્લિકેશન છે જેને તમે પોતાના કમ્પ્યુટર કે મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને બિટકોઈનની લેવડ-દેવડ કરી શકો છો.
જો તમારી પાસે બિટકોઈન છે તો તમે તેને રૂપિયામાં ફેરવી શકો છો, આજની તારીખ 8-6-2021ના રોજ બિટકોઈનનો ભાવ 24 લાખ જેટલો છે. તમે ગૂગલ પર “1 bitcoin in inr” લખશો તો તમને બિટકોઈનનો ભાવ જોવા મળી જશે.
હવે સમજીએ કે બિટકોઈનનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે? એટલે તમે બિટકોઈનને એક યુઝરથી બીજા યુઝરને મોકલો તો તે કેવી રીતે પહોચે છે.
જ્યારે તમે તમારા પૈસાને કોઈ બીજા વ્યક્તિના ખાતામાં મોકલો છો તો તે બેન્ક દ્વારા જાય છે, તમે બેન્કમાં તે પૈસા જમા કરાવો અને બેન્ક તમારા પૈસાને અમુક પ્રોસેસ કરીને બીજાના ખાતામાં જમા કરી આપે છે.
બિટકોઈન જ્યારે એક યુઝરથી બીજા યુઝર પાસે જાય તો તેનો રિકોર્ડ એક જાહેર ખાતાવહીમાં સ્ટોર થાય છે અને તે બિટકોઈન સાચા મોકલ્યા કે નહીં એ ચકાસવા માટે માઇનર્સની જરૂર પડે છે અને માઇનર્સ તમારું ટ્રાન્ઝેક્શન વેરીફાય કરે છે જેમાં તેઓ ખૂબ મોટા-મોટા સમીકરણો કમ્પ્યુટરમાં સોલ્વ કરે છે અને ત્યારે 1 બિટકોઈન ટ્રાન્ઝેક્શન વેરિફાય થાય છે. જ્યારે કોઈ માઇનર 1 ટ્રાન્ઝેક્શનને ચકાસીને વેરીફાય કરે છે ત્યારે તેને અમુક બિટકોઈન ઈનામમાં મળે છે અને તેને માઇનિંગ કહેવાય છે.
હવે તમે જે બિટકોઈન એક વોલેટમાથી બીજા વોલેટમાં મોકલો તો એક જાહેર ખાતાવહીમાં (Public Ledger) તેનો રેકોર્ડ સ્ટોર થાય છે અને આ રિકોર્ડ ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષિત હોય છે એટલે બધુ જ કોડમાં લખેલું હોય છે અને તેને લીધે કોઈ પણ માઇનર એવું ન જાણી શકે કે આ બિટકોઈન કયા વ્યક્તિએ મોકલ્યો અને લીધો છે.
માઇનર્સને 1 ટ્રાન્ઝેક્શનને વેરીફાય કરવા માટે અમુક બિટકોઈન ઈનામમાં મળે છે અને તેને લીધે તેઓ માઇનિંગ કરે છે. માઇનિંગ કરવા માટે તેમની પાસે ખૂબ વધારે પ્રોસેસ કરે એવા ભારે પ્રોસેસર અને સિસ્ટમ હોય છે જે ખૂબ વધારે ખર્ચ કરાવે છે.
આ ટ્રાન્ઝેક્શન બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા થાય છે એટલે જો 1 વ્યક્તિ બીજા યુઝરને બિટકોઈન આપે તો તેની જાણ બધા જ માઇનર્સને તેમના કમ્પ્યુટર સોફ્ટવેરમાં થાય છે અને 1 ટ્રાન્ઝેક્શનને વેરીફાય કરવા માટે ઘણા બધા માઇનર્સ હોય છે, તેમાથી જે બધાથી સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનના કોયડાને ઉકેલીને તેને વેરીફાય કરે તેમને જ ઈનામમાં અમુક બિટકોઈન મળે છે.
આ ટ્રાન્ઝેક્શન બધા જ સિસ્ટમમાં બ્લોક અથવા કોડ સ્વરૂપમાં સ્ટોર હોય છે એટલે જો કોઈ હેકર 1 સિસ્ટમને હેક કરવાનો પ્રયન્ત કરે તો તેને બધા જ સિસ્ટમને હેક કરવું પડે અને તેમાં ઘણી મુશ્કેલી આવે છે તેને લીધે બિટકોઈનને હેક કરવું પણ મુશ્કેલ હોય છે.
1 બિટકોઈનને ડુપ્લિકેટ બનાવવો પણ મુશ્કેલ છે કારણ કે બિટકોઈનનો રેકોર્ડ જાહેર ખાતાવહીમાં થાય તો કોઈ વ્યક્તિ કોઈ પણ છેડછાડ કરે તો તેની જાણ બધાને થઈ જાય છે એટલે આની ટ્રાન્ઝેક્શન પ્રોસેસ ખૂબ મજબૂત હોય છે.
હવે તમને ખબર પડી ગઈ હશે કે બિટકોઈન કેવી રીતે કામ કરે છે.
બિટકોઈનનો ભાવ કેવી રીતે વધે અને ઘટે છે?
કોઈ પણ વસ્તુનો ભાવ તેની માંગ અને સપ્લાઈ પર આધારિત હોય છે. અત્યારે કોઈ શાકભાજીની માંગ વધારે હોય અને જો તેની સપ્લાઈ ઓછી હોય તો તે શાકભાજીનો ભાવ વધવાનો છે.
તેવી જ રીતે માર્કેટમાં બિટકોઈનની માંગ વધારે હોય અને તેના ટ્રાન્ઝેક્શન જેટલા વધારે થતાં હોય તો તેના આધારે બિટકોઈનના ભાવમાં ઊંચા-નીચી જોવા મળે છે.
હું તમને જણાવી દઉં કે બિટકોઈનની સપ્લાઈ લિમિટેડ જ છે, 21 મિલ્યન જેટલા બિટકોઈન જ માઈન થશે અને અત્યારે આજની તારીખ સુધી 18 મિલ્યન જેટલા બિટકોઈન માઈન થઈ ગયેલા છે.
કેટલી મોટી-મોટી કંપનીઓ આ બિટકોઈનમાં રસ આપે છે અને તેના લીધે પબ્લિકમાં એક હાઇપ બને છે અને તેને લીધે લોકો બિટકોઈન ખરીદવા માંડે છે એટલે તેની માંગમાં વધારો જોવા મળે છે અને માંગ વધવાને કારણે તેનો ભાવ પણ વધે છે પણ જો માંગ ઘટવા માંડે તો તેનો ભાવ ઓછો પણ થતો જાય છે.
બિટકોઈનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ?
કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તેમાં રિસ્ક હોય છે અને બિટકોઈન તો કોઈના કંટ્રોલમાં જ નથી તો તેમાં ઘણું વિચારીને ઇન્વેસ્ટ કરવું જોઈએ.
સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો તેમાં ઇન્વેસ્ટર ઘણી બૂક વાંચે છે, માર્કેટને સમજે છે, સલાહ પણ લે છે તો બિટકોઈનમાં પણ તમારે તેના પૂરા માર્કેટ જોવું પડે અને તેમાં આશરે જ ઇન્વેસ્ટ ન કરવું જોઈએ.
જો તમે એક વિધ્યાર્થી છો અને તમારે જલ્દી પૈસા કમાવવા જ હોય તો આ બિટકોઈન તમારા માટે નથી કારણ કે અત્યારે તમારે પૈસા કમાવવા જ હોય તો તમારે નવી-નવી સ્કિલ શીખવી જોઈએ, પોતાના નોલેજને વધારવું પડે અને ત્યારબાદ તમે પૈસા કમાઈ શકો છો.
તમારે કોઈ પણ અનુભવ વગર આવી રિસ્કી વસ્તુમાં ન પડવું જોઈએ કારણ કે એનાથી તમને વધારે આર્થિક નુકસાન થઈ શકે છે.
બિટકોઈનની કમાણી કેવી રીતે કરવી?
બિટકોઈનને કમાવવાના 3 રસ્તા છે જે હું તમને નીચે જણાવી રહ્યો છે.
- તમે બિટકોઈનમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને તેને ખરીદી શકો છો.
- તમે કોઈ વસ્તુને વેંચી શકો છો અને તેના બદલે ચલણ રૂપે બિટકોઈનને લઈ શકો છો.
- તમે બિટકોઈન માઇનિંગ કરી શકો છો જેના માટે ખૂબ ભારે પ્રોસેસર અને કમ્પ્યુટર સિસ્ટમની જરૂર પડે છે અને તેવા ભારે સિસ્ટમને ચલાવવા માટે વધારે ઇલેક્ટ્રીક પાવરની પણ જરૂર પડે છે જેને 24 કલાક પણ ચલાવી રાખવું પડી શકે છે.
મિત્રો, બિટકોઈનનો પણ એકમ છે જેનું નામ સતોષી છે. જેવી રીતે 1 રૂપિયામાં 100 પૈસા હોય છે તેવી જ રીતે 1 બિટકોઈનમાં 10 કરોડ સતોષી હોય છે.
ચેતવણી:- મિત્રો આ પોસ્ટમાં અમે તમને જેટલી પણ જાણકારી આપી છે એ માત્ર જાણવા માટે છે. અમારું લક્ષ્ય બધા જ ગુજરાતી મિત્રોને ટેક્નોલોજી વિશે સરળ શબ્દોમાં સમજાવવાનું છે. બિટકોઈનનો ભાવ વધતો જોઈને લોભ અને લાલચમાં આવીને કોઈ દિવસ ઇન્વેસ્ટ નહીં કરવું કારણ કે નોલેજ વગર અંધારું જ તમને દેખાશે.
આશા છે કે તમને આ પોસ્ટ દ્વારા બિટકોઈન વિશે સરળ શબ્દોમાં સમજણ પડી હશે. તમારા મિત્રોને પણ આ બિટકોઈન વિશે જાણકારી આપો જેથી તેમણે પણ આ ક્રિપ્ટોકરન્સી બિટકોઈન વિશે જાણવા મળે.
- અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- બ્લોકચેન એટલે શું? | Blockchain વિશે માહિતી
- NFT એટલે શું? – જાણો NFT વિશે પૂરી માહિતી…!!!
- કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર વિશે જાણકારી
- ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે? જાણો પૂરી જાણકારી
- ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક એટલે શું? | Decentralized નેટવર્ક વિશે જાણકારી