બ્લોકચેન એટલે શું? | Blockchain વિશે માહિતી

મિત્રો આજે આપણે એક એવી ટેક્નોલૉજી વિશે વાત કરીશું જેને હેક કરવું લગભગ અશકય જ છે કારણ કે આ ટેક્નોલૉજી કોઈ એક વ્યક્તિ કે કોઈ એક એડમીન અથવા ઓથોરીટી નથી ચલાવતું.

આ ટેક્નોલૉજી બધા જ લોકો દ્વારા ચાલે છે જેને કારણે જો આ પૂરા સિસ્ટમને હેક કરવું હોય તો તે મુશ્કેલ છે અને આ ટેક્નોલૉજીનું નામ છે બ્લોકચેન (Blockchain) ટેક્નોલૉજી જે અત્યારે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

બ્લોકચેન ટેક્નોલૉજીને ઘણા દેશોમાં ચુટણી લડવા માટે પણ ઉપયોગ થાય છે અને હમણાં તો ભારતના CBSE શિક્ષણ બોર્ડએ પણ આ ટેક્નોલૉજીને અપનાવી છે.

તો ચાલો આજે જાણીએ બ્લોકચેન ટેક્નોલોજી વિશે સરળ શબ્દોમાં માહિતી.

બ્લોકચેન ટેક્નોલોજી વિશે માહિતી

બ્લોકચેન ટેક્નોલોજી શું છે?

બ્લોકચેન માહિતીને સુરક્ષિત રીતે સ્ટોર કરવાની એક એવી રીત છે જેમાં માહિતી બ્લોક સ્વરૂપે સ્ટોર થાય છે અને દર બ્લોકમાં માહિતી સ્ટોર હોય છે.

જ્યારે બ્લોકચેનમાં નવી માહિતી ઉમેરાય છે ત્યારે તેમાં નવા-નવા બ્લોક બનતા જાય છે અને આ બધા જ બ્લોકની એક સાંકળ એટલે ચેન બને છે અને તેને બ્લોકચેન કહેવાય છે.

બ્લોકચેન એક વિકેન્દ્રિત નેટવર્ક છે જેને ઇંગ્લિમાં “Decentralized Network” કહેવાય છે. આ એક એવું નેટવર્ક હોય છે જેમાં માહિતી નેટવર્કમાં જોડાયેલા બધા જ કમ્પ્યુટરમાં સ્ટોર હોય છે.

આ બ્લોકચેન નેટવર્કમાં જેટલા કમ્પ્યુટર જોડાયેલા છે તેમને નોડ્સ (Nodes) કહેવાય છે અને જે લોકો ડેટા વેરિફાય કરવાનું કામ કરે છે જેમ કે બિટકોઈનના ટ્રાન્ઝેક્શનને વેરીફાય કરવાનું કામ કરે છે તો તેમને માઇનર્સ (Miners) કહેવાય છે જે ટ્રાન્ઝેક્શન સાચું છે કે ખોટું તેની ચકાસણી કરે છે.

બ્લોકચેન એક જાહેર ખાતાવહી (Public Ledger) છે જેમાં જાહેર રીતે માહિતીને ક્રિપ્ટોગ્રાફી (Cryptography) ની મદદથી એન્કોડ (Encode) કરવામાં આવે છે જેથી તે બધા જ ડેટા બ્લોકમાં સુરક્ષિત રહે છે.

એન્કોડ એટલે જે માહિતી છે તેને કોડ સ્વરૂપમાં સુરક્ષિત બનાવવામાં આવે છે જેથી કોઈ માહિતીને જોઈ ના શકે અને છેડછાડ પણ ન કરી શકે.

બ્લોકચેનની પરિભાષા

“બ્લોકચેન એક એવું સિસ્ટમ છે જેમાં માહિતીનો રેકોર્ડ રાખવામાં આવે છે જેને બદલી નથી શકાતું કે તેની સાથે છેડછાડ પણ નથી કરી શકાતું, દર માહિતી આ નેટવર્કમાં જોડાયેલા કમ્પ્યુટરમાં સ્ટોર હોય છે જેને એક પૂરું બ્લોકચેન નેટવર્ક કહેવાય છે.”

બ્લોકચેનની શરૂઆત

  • બ્લોકચેનની શરૂઆત 1991માં થઈ હતી અને તે વખતે બ્લોકમાં ડેટાને ક્રિપ્ટોગ્રાફીની મદદથી સ્ટોર કરીને એક ચેન બનાવવાનો કોન્સેપ્ટ Stuart Haber અને W Scott Stornetta આ બંનેએ જણાવ્યો હતો.
  • ત્યારબાદ 2008માં સતોષી નકામોટો બિટકોઈનના સ્થાપકે બિટકોઈન માટે જાહેર ખાતાવહી તરીકે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.
  • 2014માં બ્લોકચેન ચલણથી અલગ પડીને તેને અલગ-અલગ ઉપયોગ માટે પણ ઉપયોગમાં લેવામાં આવ્યું જેથી ઇન્ટરનેટ પર અલગ-અલગ કામોમાં સુરક્ષા અને ડેટાને સાચવવાની પદ્ધતિને વેગ મળ્યો છે.

બ્લોકચેન ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે જેમાં સૌથી લોકપ્રિય બિટકોઈન (Bitcoin) છે.

બિટકોઈન એક ડિજિટલ ચલણ છે જેમાં ટ્રાન્ઝેક્શનની માહિતીને સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે અને ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરવા માટે આ બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

બિટકોઈનને કારણે બ્લોકચેન ઘણું લોકપ્રિય છે અને બ્લોકચેન ટેક્નોલોજીમાં પૂરા સિસ્ટમને ડાઉન કરવું અશકય છે.

બ્લોકચેન ટેક્નોલોજીમાં એક સાથે ઘણા બધા કમ્પ્યુટર સિસ્ટમ જોડાયેલા હોય છે. બ્લોકચેનને કોઈ એક વ્યક્તિ, ઓથોરીટી કે એડમીન કંટ્રોલ નથી કરતું.

બિટકોઈનમાં આપણે બિટકોઈનની લે-વેચ કરીએ છે અને તેમાં બ્લોકચેન કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણે જાણીએ.

બ્લોકચેનના બ્લોકમાં આવેલી વસ્તુઓ

એક બ્લોકમાં 3 વસ્તુ હોય છે જેમાં 1) ડેટા, 2) હેશ, 3) અગાઉના બ્લોકનો હેશ.

ડેટા : ડેટા એટલે માહિતી જે બ્લોકમાં સ્ટોર કરવામાં આવી છે, બિટકોનના બ્લોકમાં એવી માહિતી હશે કે બિટકોઈન કયા યુઝરએ બીજા કયા યુઝરને ટ્રાન્સફર કર્યો અને તે બિટકોઈનની સંખ્યા કેટલી હતી વગેરે.

આવી રીતે આ ડેટા કયા હોય એ બ્લોકચેનનો ઉપયોગ શેમાં કરવામાં આવ્યો છે તેના પર પણ આધાર રાખે છે.

હેશ : હેશ એક પ્રકારનો બ્લોકનો કોડ હોય છે અને આ હેશ કોડ બ્લોકની ઓળખ પણ હોય છે. જેવી રીતે દર કમ્પ્યુટર કે મોબાઇલનો આઇપી એડ્રેસ હોય છે જે તે ડિવાઇસની ઓળખ હોય છે તેવી રીતે બ્લોકનો પણ આ હેશ કોડ એક ઓળખ હોય છે.

અગાઉના બ્લોકનો હેશ : બ્લોકમાં અગાઉના બ્લોકનો પણ હેશ હોય છે અને તે બ્લોક એકબીજા સાથે જોડાયેલા હોય છે જેથી તેની એક ચેન બને છે.

દર બ્લોકમાં તેની અગાઉના બ્લોકનો હેશ કોડ હોય છે, ઉદાહરણ તરીકે A બ્લોક છે અને B બીજો બ્લોક છે તો B બ્લોકમાં A બ્લોકનો હેશ હશે અને C બ્લોકમાં B બ્લોકનો પણ હેશ હશે અને D બ્લોકમાં C બ્લોકનો પણ હેશ હશે.

આવી રીતે દર બ્લોકમાં આ ત્રણ વસ્તુ હોય છે જેમાં ડેટા, હેશ, અગાઉના બ્લોકનો હેશ.

જ્યારે કોઈ A વ્યક્તિ B વ્યક્તિને બિટકોઈન ટ્રાન્સફર કરે છે ત્યારે આ ટ્રાન્ઝેક્શન બ્લોકચેન નેટવર્ક દ્વારા વેરિફાય થાય છે.

બ્લોકચેન નેટવર્કમાં જોડાયેલા બધા જ નોડ્સ અથવા માઇનર્સને ખબર પડે છે કે A વ્યક્તિએ B વ્યક્તિને બિટકોઈન ટ્રાન્સફર કર્યો અને માઇનર્સ તે ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરે છે.

ટ્રાન્ઝેક્શનની માહિતી ક્રિપ્ટોગ્રાફીની મદદથી સુરક્ષિત હોવાથી માઇનર્સને ડેટાને વેરિફાય કરવા માટે ઘણા ગાણિતિક સમીકરણોને ઉકેલવા પાડે છે.

બ્લોકચેન નેટવર્કમાં જોડાયેલા જેટલા માઇનર્સ છે તેમાં બધા જ માઇનર્સ આ એક ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરતાં હોય છે અને બધાના સમીકરણોના ઉકેલનો જવાબ એક જ આવતો હોય છે જેથી તે ટ્રાન્ઝેક્શન વેરિફાય થઈ જાય છે.

જો કોઈ એક માઇનર ખોટું વેરિફાય કરે તો નેટવર્કમાં જોડાયેલા બીજા બધા જ માઇનર્સનો ઉકેલ એક જ આવવાથી ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરવામાં આવે છે.

આ બ્લોકચેનમાં જેટલા ટ્રાન્ઝેક્શન થાય છે તે પબ્લિક એડ્રેસ અને પ્રાઇવેટ કી દ્વારા સુરક્ષિત હોય છે.

ઉદાહરણ તરીકે A વ્યક્તિએ B વ્યક્તિને બિટકોઈન મોકલ્યા તો માઇનર્સ અને બીજા બધા જ લોકોને એવું દેખાશે કે આ કોઈ પબ્લિક એડ્રેસએ બીજા કોઈ પબ્લિક એડ્રેસને બિટકોઈન મોકલ્યા.

આ બધા જ ડેટા પ્રાઇવેટ કી દ્વારા સુરક્ષિત હોય છે અને આ પ્રાઇવેટ કી તે ડેટાને એક્સેસ કરવામાં મદદ કરે છે.

આવી રીતે પૂરું એક બ્લોકચેન કામ કરે છે, આમાં મે તમને બિટકોઈનના ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરેલો છે.

શું બ્લોકચેન સુરક્ષિત છે?

હા બ્લોકચેન એક સુરક્ષિત ટેક્નોલોજી છે જેમાં લાખો કે તેથી વધારે કમ્પ્યુટર સિસ્ટમ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે, તેઓ જ્યારે ડેટા વેરિફાય કરે છે ત્યારે તેમને પબ્લિક એડ્રેસ દેખાય છે.

પબ્લિક એડ્રેસ એક પ્રકારનો એડ્રેસ હોય છે જેમાં થોડા નંબર કે અક્ષરો હોય છે. જેથી માઇનર્સ ડેટા જોઈ નથી શકતા, ડેટા પ્રાઇવેટ કીની મદદથી સુરક્ષિત હોય છે.

જો કોઈ એક હેકર એક બ્લોકના ડેટાને બદલવાનો પ્રયત્ન કરે તો તે બ્લોકનો હેશ બ્લોકમાં માહિતી બદલાઈ જવાને કારણે બદલાઈ જાય છે અને જો એક બ્લોકનો હેશ બદલાય તો તેની સાથે જોડાયેલા બીજા બ્લોકનો પણ હેશ બદલાઈ જાય છે કારણ કે બ્લોક એકબીજા સાથે જોડાયેલા હોય છે.

આ બ્લોક એકબીજા સાથે જોડાયેલા હોવાથી અને બ્લોકમાં રહેલા ડેટાને બદલી ન શકવાને કારણે આ બ્લોકચેન ટેક્નોલોજીને સુરક્ષિત માનવામાં આવે છે.

બ્લોકચેનની વિશેષતાઓ

  • બ્લોકચેન ટેક્નોલોજી કોઈ એક સર્વર કે કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી.
  • બ્લોકચેનમાં રહેલા ડેટા ક્રિપ્ટોગ્રાફીની મદદથી સુરક્ષિત હોય છે.
  • બ્લોકચેનમાં ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરવા માટે ઘણા મુશ્કેલ ગાણિતિક સમીકરણો ઉકેલવા પડે છે ત્યારબાદ કોઈ એક ટ્રાન્ઝેક્શન વેરિફાય થાય છે.
  • બ્લોકચેન નેટવર્કમાં ખૂબ મોટી સંખ્યામાં માઇનર્સ હોય છે જેથી તેમાં છેડછાડ કે હેક કરવું મુશ્કેલ છે.
  • બ્લોકચેન નેટવર્કમાં જોડાયેલા કમ્પ્યુટર સિસ્ટમ ખૂબ જ વધારે સ્પેસિફિકેશન વાળા હોય છે જેથી આ સિસ્ટમ ઘણી વીજળીની ખપત કરે છે.

આવી ઘણી વિશેષતાઓ આપણને બ્લોકચેનમાં જોવા મળે છે.

બ્લોકચેન ટેક્નોલોજીના ફાયદા

  • બ્લોકચેનમાં ચોકસાઇ ઘણી વધારે હોય છે.
  • બ્લોકચેનની સુરક્ષા ખૂબ જ વધારે હોય છે.
  • તેમાં ટ્રાન્ઝેક્શન પબ્લિક એડ્રેસ દ્વારા ટ્રાન્સફર થાય છે અને પ્રાઇવેટ ડેટા સુરક્ષિત હોય છે.
  • કોઈ વચેટિયાની જરૂર નથી પડતી.
  • આ નેટવર્કને કોઈ એક વ્યક્તિ કંટ્રોલ નથી કરતું.
  • ઝડપ ઘણી વધારે હોય છે.
  • ડેટા બધા જ કમ્પ્યુટરમાં હોય છે અને તે અલગ-અલગ લોકેશન પર હોય છે જેથી તે ડેટા ડિલીટ થઈ જવાની શક્યતા નથી હોતી.

બ્લોકચેન ટેક્નોલોજીના નુકસાન

  • બ્લોકચેન ઇન્ટરનેટ પર આધારિત છે તેને કારણે જો ઇન્ટરનેટ નહીં હોય તો બ્લોકચેન પણ નહીં હોય.
  • બ્લોકચેન નેટવર્કમાં જોડાયેલા માઇનર્સના કમ્પ્યુટર ખૂબ જ વધારે વીજળીની ખપત કરે છે.
  • બ્લોકચેન માટે માઇનિંગ કરવા ચિપ શૉર્ટેજના સમયમાં એક કમ્પ્યુટર સિસ્ટમને બનાવવું ઘણું મોંઘું છે.

મિત્રો આશા છે કે તમને બ્લોકચેન વિશે આજે સરળ શબ્દોમાં માહિતી મળી હશે અને તમને કઈક નવું જાણવા મળ્યું હશે.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-