યુટ્યુબમાં આપણને ઘણી અલગ-અલગ ભાષાના વિડિયો જોવા મળે છે અને આ કારણે હાલમાં આપણને જે ભાષા આવડે છે એ જ ભાષાના વિડિયોને આપણે જોઈ શકીએ છીએ.
જેમ કે તમને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષા આવડે છે તો તમે માત્ર આ જ ભાષાના વિડિયોને સમજી શકશો પણ તમિલ, તેલુગુ, મરાઠી અને બીજી આંતરાષ્ટ્રીય ભાષાઓ જેમ કે સ્પેનિશ વગેરેના વિડિયોને નહીં સમજી શકો.
તો હાલમાં યુટ્યુબમાં આપણે લિમિટેડ વિડિયોને જોઈને સમજી શકીએ છીએ અને આ ભાષાના અવરોધને કારણે બીજા વિડિયોને સમજી નથી શકાતા.
યુટ્યુબએ આ ભાષાના અવરોધને દૂર કરવા માટે સબટાઈટલ ફીચર તો રજૂ કર્યું જ છે પણ હવે આનું એક આગળનું સ્તર પણ આવશે.

Google Aloud શું છે?
Aloud એક ગૂગલનું પ્રોજેકટ છે જે હાલમાં શરૂઆતના સ્તર પર છે જેના દ્વારા એક યુટ્યુબ ક્રિએટર પોતાના 1 વિડિયોને અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ કરી શકશે. આનાથી એક જ વિડિયોને અલગ-અલગ ભાષાના લોકો જોઈ શકશે.
ઉદાહરણ તરીકે અમે અમારો એક ગુજરાતી વિડિયો બનાવ્યો હોય તો અમે અમારા વિડિયોને હિન્દી, ઇંગ્લિશ અને બીજી અન્ય ભાષાના લોકો માટે પણ એમની ભાષામાં એમને અવાજ સંભળાય એ રીતે તે વિડિયોને ઉપલબ્ધ કરી શકીશું.
ટૂંકમાં કહું તો આ પ્રોજેકટ દ્વારા ગૂગલ પોતાના યુટ્યુબ પરના બધા વિડિયોને અલગ-અલગ ભાષામાં ફેરવશે.
આનાથી અંગ્રેજી વિડિયોને ગુજરાતી લોકો ગુજરાતી ભાષામાં જોઈ શકશે.
Google Aloud કેવી રીતે કામ કરે છે?
- Google Aloud કૃત્રિમ બુદ્ધિ (AI) જેવી અલગ-અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિડિયોમાં જે અવાજ છે તેને સૌપ્રથમ લખાણના ફોર્મેટમાં તૈયાર કરશે
- ત્યારબાદ આ લખાણને યુટ્યુબ ક્રિએટરને રિવ્યૂ કરવા માટે આપવામાં આવશે
- યુટ્યુબ ક્રિએટર જો તે લખાણને રિવ્યૂ કરીને આગળ જવા દેશે એટલે Aloud દ્વારા તે લખાણને અન્ય ભાષામાં અનુવાદ કરવામાં આવશે અને ત્યારબાદ તે ભાષાંતર કરેલા લખાણને અવાજમાં ફેરવવામાં આવશે.
આ રીતે Aloud પ્રોજેકટ દ્વારા યુટ્યુબના કોઈ પણ વિડિયોને અલગ-અલગ ભાષામાં ડબ કરી શકશે.
Google Aloud નો ઉપયોગ કોણ કરી શકશે?
જે લોકો યુટ્યુબ ક્રિએટર છે તેમને પોતાના વિડિયોને એક ભાષામાંથી બીજી ભાષામાં ફેરવવાની સુવિધા આપવામાં આવશે અને જે લોકો યુટ્યુબ પર વિડિયોને જોવે છે તેમને એક વિડિયોને અલગ-અલગ ભાષામાં જોવા અને સાંભળવાની સુવિધા મળશે.
શું યુટ્યુબ ક્રિએટરને પોતાના વિડિયોને બીજી ભાષામાં ફેરવવા માટે પૈસા આપવા પડશે?
ના, યુટ્યુબ ક્રિએટર Aloud દ્વારા પોતાના વિડિયોને મફતમાં જ બીજી ભાષામાં ડબ કરી શકશે.
હાલમાં આ સુવિધા કઈ ભાષાઓ માટે ઉપલબ્ધ છે?
હાલમાં ઇંગ્લિશ ભાષાના વિડિયોને સ્પેનિશ અને પોર્ટુગીઝ ભાષામાં ફેરવી શકાય છે.
ટૂંક સમયમાં ભારતીય ભાષાઓ માટે પણ આ સુવિધા આવશે જેમાં સૌપ્રથમ હિન્દી ભાષામાં આ ફીચર ઉપલબ્ધ થશે.
સામાન્ય યુઝર કેવી રીતે આ સુવિધાનો ઉપયોગ કરી શકશે?
જે રીતે હાલમાં યુટ્યુબમાં આપણને સબટાઇટલ બદલવાનો ઓપ્શન આપવામાં આવે છે આ જ રીતે આપણને ભવિષ્યમાં અલગ-અલગ ભાષાના ઓડિઓ ટ્રેક પણ બદલવાનો ઓપ્શન મળશે.
Google Aloud પ્રોજેકટનું શું ઉદેશ્ય છે?
આ પ્રોજેકટ દ્વારા ગૂગલ ટેક્નોલોજીની મદદથી ભાષાના અવરોધને દૂર કરી રહ્યું છે. ગૂગલ બધા માટે અલગ-અલગ ભાષામાં જે જાણકારી છે તેને બધા લોકો માટે તેમની પોતાની ભાષામાં ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
આનાથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષામાં જાણકારીને જાણી શકશે અને શીખવું એકદમ સરળ થઈ જશે.
અત્યારે યુટ્યુબમાં એવા ઘણા કોર્સ ઉપલબ્ધ છે જે હાલમાં માત્ર ઇંગ્લિશ ભાષામાં ઉપલબ્ધ છે તો આ પ્રોજેકટ દ્વારા તે બધા જ વિડિયોને પોતાની ભાષામાં જોઈને શીખી શકાશે.
તમે ગૂગલ અલાઉડની મુખ્ય વેબસાઇટ https://aloud.area120.google.com પર પણ જઈ શકો છો જ્યાં તમને વધારે જાણકારી પણ મળશે.
આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી થશે અને તમે તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો જેથી બધા જ લોકોને જાણવા મળશે કે ટેક્નોલોજી દ્વારા શું-શું કરવું શક્ય છે.
અમારી અન્ય પોસ્ટ: