આપણે ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે, કમ્પ્યુટરમાં વોટ્સએપ ચાલુ કરતી વખતે, વેબસાઇટમાં લૉગ ઇન કરતી વખતે તેવી ઘણી જગ્યાએ QR કોડને સ્કેન કર્યા હશે.
QR કોડ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે અને આજે આપણે QR કોડ વિશે ઘણી જાણકારી (What is QR Code?) જાણીશું જેના વિશે તમારે જરૂર જાણવું જોઈએ.

QR કોડ એટલે શું? – What is QR Code?
QR Code એટલે “Quick Response Code“, એક એવો કોડ જેને સ્કેન કરતાં જ તે તરત તેમાં રહેલા ડેટાને પ્રદાન કરે છે.
QR કોડ એક પ્રકારનો ચોરસ આકારનો કોડ હોય છે જેને કોઈ મશીન દ્વારા સ્કેન કરવામાં આવે છે અને આ કોડને સ્કેન કરતાં જ તેમાં રહેલી માહિતી બહાર આવે છે.
QR કોડમાં માહિતીને સ્ટોર કરવામાં આવે છે, QR કોડમાં એવી રીતે માહિતીને સ્ટોર કરવામાં આવે છે કે કોઈ પણ માણસ તે કોડને જોશે તો તેમાં શું માહિતી છે એ નહીં જાણી શકે,
આ QR કોડમાં શું માહિતી છે એ જાણવા માટે મશીનનો ઉપયોગ થાય છે, જ્યારે તમે કોઈ મશીન દ્વારા આ કોડને સ્કેન કરો છો ત્યારે તે મશીન આ કોડના પેટર્નને ઓળખીને તેમાં રહેલી માહિતીને બહાર તેના અસલી ફોર્મમાં બતાવે છે.
તમે પોતાના સ્માર્ટફોન દ્વારા પણ આ કોડને સ્કેન કરીને તેમાં રહેલા ડેટાને જોઈ શકો છો.
QR કોડની શરૂઆત – QR Code History
QR કોડની શોધ 1994માં એક જાપાનની કંપની “Denso Wave” માં “Masahiro Hara” નામના વ્યક્તિએ કરી હતી.
તે વખતે આ QR કોડનું ઉદેશ્ય વાહનની બનાવટ કરતી વખતે તે વાહનોને ટ્રેક કરવાનું હતું, તેના બીજા ભાગ ઝડપથી સ્કેન થાય તે માટે હતું.
QR કોડ અને Barcode
QR કોડની પહેલા વધારે Barcode નું ચલણ હતું, બારકોડને સૌથી વધારે સુપરમાર્કેટ, મોલ, અલગ-અલગ પ્રકારના શોપિંગ સેન્ટર વગેરેમાં ઉપયોગ લેવાય છે.
બારકોડ લંબચોરસ આકારનો હોય છે, જેમાં 0 થી 9 સુધીની ઊભી લીટીઓ અલગ-અલગ આકારની હોય છે.
બારકોડ મોટાભાગે આપણને કોઈ પણ પ્રોડક્ટ ઉપર લગાવેલો જોવા મળે છે, તે બારકોડને સ્કેન કરતાં જ તે પ્રોડક્ટનો ભાવ અને તેના વિશે જાણકારી આપણને જોવા મળી જાય છે.
બારકોડને જ્યારે કોઈ મશીન સ્કેન કરે છે ત્યારે તે મશીન બારકોડને ઉપરથી નીચેની દિશામાં સ્કેન કરે છે એટલે કે બારકોડ એક જ દિશામાં સ્કેન થાય છે અને તેમાં માહિતી પણ ઓછી માત્રામાં સ્ટોર થાય છે અને તેનું ફોર્મેટ Alphanumeric હોય છે,
જ્યારે QR કોડની વાત કરીએ તો તેમાં સ્કેનર QR કોડને ઉપરથી નીચે અને જમણી બાજુથી ડાબી બાજુ, એમ બંને બાજુથી સ્કેન કરે છે અને તેમાં બારકોડ કરતાં વધારે માત્રામાં ડેટા સ્ટોર થાય છે.
સરળમાં જણાવું તો બારકોડ ફક્ત આડી રીતે માહિતીને સ્ટોર કરે છે અને QR કોડ ઊભી અને આડી એમ બંને રીતે ડેટા સ્ટોર કરી શકે છે.
QR કોડ સૌથી વધારે વપરાતો 2D (Two-dimensional) પ્રકારનો કોડ છે.
QR કોડનું મહત્વ – Importance of QR Code
QR કોડનું મહત્વ જાણીએ તો તે સૌથી વધારે માણસનો સમય બચાવે છે.
જેમ કે તમે કોઈ દુકાનની સામે ઊભા છો, તે દુકાનની એક વેબસાઇટ છે, હવે જો તમે તે દુકાનની વેબસાઇટનો URL એડ્રેસ લખીને ખોલશો તો તેમાં ઘણો સમય લાગશે,
જો તમારી સામે એ દુકાનની વેબસાઇટનો QR કોડ ઉપલબ્ધ હોય તો તમે તરત તે QR કોડને સ્કેન કરીને ખૂબ જલ્દીથી વેબસાઇટને ખોલી શકો છો.
QR કોડમાં જો કોઈ ખાસ માહિતી પણ મોકલવી હોય તો તમે સરળતાથી તે ખાસ માહિતી બીજા વ્યક્તિને આ કોડ ફોર્મમાં મોકલી શકો છો.
QR કોડના ઉપયોગ – Use of QR Code
- તમે QR કોડમાં પોતાનો મોબાઇલ નંબર સ્ટોર કરી શકો છો અને બીજા વ્યક્તિને શેર કરી શકો છો.
- તમે QR કોડમાં પોતાનો ખાસ મેસેજ છુપાવી શકો છો.
- QR કોડનો ઉપયોગ પેમેન્ટ લેવા માટે થાય છે.
- QR કોડનો ઉપયોગ કોઈ વાઈફાઈ સાથે કનેક્ટ થવું હોય તો કરી શકાય છે.
- QR કોડ દ્વારા કોઈ વેબસાઇટનું URL એડ્રેસ ખોલવું હોય તો તે શક્ય છે.
- QR કોડને માર્કેટિંગ સ્ટ્રેટજી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
- QR કોડમાં એપ ડાઉનલોડ કરવા માટેની લિન્ક પણ ઉમેરી શકાય છે.
- QR કોડમાં ઈમેલ આઈડી પણ લગાવી શકાય છે.
QR કોડનો ગેરફાયદો – Disadvantages of QR Code
QR કોડનો એક ગેરફાયદો પણ છે કે હેકર કોઈ વાઇરસ વાળી લિન્ક તેમાં અટેચ કરીને તે QR કોડને કોઈ પણ વ્યક્તિને મોકલી શકે છે અને તેને સ્કેન કરતાં આપણાં ડિવાઇસમાં કોઈ સમસ્યા આવી શકે છે.
આ કારણે અજાણ્યા QR કોડને સ્કેન કરવું ટાળવું જોઈએ અને કોઈ વિશ્વાસુ જગ્યા પર જ લગાવેલા QR કોડને સ્કેન કરવા જોઈએ.
QR કોડને સ્માર્ટફોન દ્વારા સ્કેન કઈ રીતે કરી શકાય? – Scan QR code in your SmartPhone
જો તમારી પાસે Android સ્માર્ટફોન છે તો તમે સરળતાથી ગૂગલ પ્લેસ્ટોર પરથી કોઈ પણ QR કોડ એપને ડાઉનલોડ કરી શકો છો અને તેમાં સ્કેનર દ્વારા કોડને સ્કેન કરી શકો છો અથવા તમે Google Lens દ્વારા પણ QR કોડને સ્કેન કરી શકો છો.
જો તમારી પાસે iPhone છે તો તમે તેનો કેમેરાનો જ ઉપયોગ કરીને QR કોડને સ્કેન કરી શકો છો.
QR કોડના ભાગ – Parts of QR Code
QR કોડ ચોરસ આકારનો હોય છે અને તેમાં ઘણા બધા નાના-નાના ભાગ છે જેના વિશે અહી આપણે સમજીશું.
Quiet Zone: QR કોડમાં આવેલી ખાલી સફેદ કલરની બોર્ડર અને સફેદ કલરની ખાલી જગ્યાઓ, જેના દ્વારા સ્કેનરને ખબર પડે છે કે QR કોડ કયો છે કારણ કે QR કોડ કાળા કલરનો હોય છે જે સફેદથી જુદો દેખાય છે.
Finder pattern: QR કોડમાં આવેલા 3 મોટા ચોરસ બ્લોક, જે ડાબી બાજુ નીચે, ડાબી બાજુ ઉપર અને જમણી બાજુ ઉપર ખૂણામાં હોય છે, જે સ્કેનરને ઓળખવામાં મદદ કરે છે કે આ QR કોડ છે અને તેની બોર્ડર ક્યાં છે એ પણ જાણ કરે છે. Finder pattern ને Position Marker પણ કહી શકાય છે.
Alignment pattern: આ એક નાનો ચોરસ બોક્સ હોય છે જેના દ્વારા QR કોડ વાંચી શકાય છે કે નહીં તેની જાણ સ્કેનરને થાય છે પછી ભલે તે કોડ ત્રાંસો હોય અથવા તે કોઈ પણ ખૂણામાં હોય.
Timing pattern: આ L આકારની એક લાઇન હોય છે જેના દ્વારા પેલા ત્રણ Finder pattern ને ઓળખી શકાય છે કારણ કે આ લાઇન તે ત્રણ ચોરસ Finder pattern ની વચ્ચે હોય છે, જો QR કોડમાં કોઈ ડેમેજ હોય તો પણ આ લાઇનને કારણે QR કોડ સ્કેન થઈ શકે છે.
Version information: આ નાનું એક ક્ષેત્ર હોય છે જે Finder pattern ની નજીક આવેલું હોય છે જેના દ્વારા QR કોડ કયા વર્ઝનનું છે તે જાણી શકાય છે.
Data Cells: ડેટા સેલમાં સ્ટોર કરેલા ડેટા હોય છે જેમ કે વેબસાઇટનું URL એડ્રેસ, ફોન નંબર, સંદેશો વગેરે…
QR કોડના પ્રકાર – Types of QR Code
QR કોડમાં અલગ-અલગ પ્રકારના ડેટા સ્ટોર કરી શકાય છે અને તેમાં 4 પ્રકારના “Input Mode” છે, એટલે કે QR કોડમાં આ 4 પ્રકારના “Input Mode” દ્વારા ડેટા સ્ટોર કરી શકાય છે જેમ કે (1) Numeric, (2) Alphanumeric, (3) Byte/Binary, (4) Kanji.
- Numeric: આ ઈનપુટ મોડમાં 0 થી 9 સુધીના આંકડાનો ડેટા સ્ટોર કરી શકાય છે, જેમાં 7,089 સુધી અક્ષરો આવી શકે છે.
- Alphanumeric: આ ઈનપુટ મોડમાં 0 થી 9, કેપિટલ અને સ્મોલમાં A થી Z સુધી, ઘણા સિમ્બોલ જેમ કે $, %, #, +, – વગેરે, આ મોડમાં 4,296 સુધીના અક્ષરો સ્ટોર થઈ શકે છે.
- Byte/Binary: આ ઈનપુટ મોડમાં ISO-8859-1 અક્ષરોનો સેટ હોય છે જેમાં 2,953 સુધીના અક્ષરો સ્ટોર થઈ શકે છે.
- Kanji: આ ઈનપુટ મોડમાં Shift JIS અક્ષરોના સેટમાથી ડબલ-બાઇટ અક્ષરોને જાપાનના અક્ષરોને કોડમાં ફેરવવા માટે ઉપયોગ થાય છે, જેમાં 1,817 જેટલા અક્ષરો આવી શકે છે.
“Denso Wave” કંપનીમાં આ “Kanji” ઈનપુટ મોડ સૌથી પહેલા બનાવવામાં આવ્યો હતો કારણ કે તે જાપાન માટે ઉપયોગી થાય છે.
મિત્રો આશા છે કે આ પોસ્ટ તમને ઘણી ઉપયોગી થઈ હશે, જો તમને કઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: